Wednesday, May 11, 2011

દુનિયામાં જેનું પ્રિયજન નથી એને કોઈ દુ:ખ નથી

મૃગારનાં માતા વિશાખાના વાળ અને કપડાં ભીનાં હતાં. ચહેરો ઉદાસ અને મનમાં દુ:ખ હતું. ભગવાન બુદ્ધે જ્યારે તેમની આ દશા જોઈ તો તેઓ બોલ્યા, તમારી આ વિચિત્ર સ્થિતિથી આશ્ચર્ય થાય છે. વિશાખાએ દુ:ખી સ્વરમાં જણાવ્યું કે, તેમાં આશ્ચર્યની શું વાત છે? મારા પૌત્રનું અવસાન થયું છે, આથી મૃતાત્મા પ્રત્યે શોક વ્યક્ત કરી રહી છું.

બુદ્ધે સવાલ કર્યો કે શ્રાવસ્તીમાં અત્યારે જેટલા મનુષ્યો છે, તમે તેમનાં પુત્ર-પૌત્રોની ઇચ્છા રાખો છો? વિશાખાનો જવાબ ‘હા’ માં સાંભળીને બુદ્ધે બીજો સવાલ કર્યો, શ્રાવસ્તીમાં દરરોજ કેટલા મનુષ્યો મરતા હશે? વિશાખાએ જવાબ આપ્યો, ઓછામાં ઓછા દસ તો મરે જ છે.

કોઈ દિવસ સંખ્યા એક પર અટકી જાય છે, પરંતુ એક પણ દિવસ ખાલી જતો નથી. બુદ્ધે પૂછ્યું તો પછી શું કોઈ દિવસ ભીના વાળ અને કપડાં વગર તમે રહી શકો છો? વિશાખા બોલી, નહીં ભાઈ. ફક્ત તે દિવસે જ ભીના વાળ અને કપડાંની જરૂર રહે છે જે દિવસે મારા પુત્ર-પૌત્રનું અવસાન થયું હોય છે. ત્યારે બુદ્ધે સુખ-દુ:ખનું વિવેચન કર્યું.

તેનાથી સ્પષ્ટ થયું કે જેને બધા જ પ્રિય હોય છે તેને સો દુ:ખ હોય છે અને જેને એક જ પ્રિયજન હોય છે, તેને ફક્ત એક જ દુ:ખ હોય છે. દુનિયામાં જેનું એક પણ પ્રિયજન નથી તેને ક્યાંય દુ:ખ નહીં મળે. તે સુખસ્વરૂપ બની જાય છે. વિશાખા પ્રણામ કરીને બોલી, ભાઈ, હું ભ્રમમાં હતી. હવે મને આત્મપ્રકાશ મળી ગયો છે.

કથાનો સાર એ છે કે, દુનિયામાં સુખી હોવાનો એકમાત્ર ઉપાય એ છે કે કોઈને પણ પોતિકું ન માનો, માયા ન બાંધો અને એક પણ જાતનો સંબંધ ન બનાવીને. સમગ્ર વિશ્વને તટસ્થ ભાવથી જુઓ.

No comments:

Post a Comment